Our Materials

હડપ્પીય સભ્યતા

08:38 PM, 12-Nov-2018

 

હડપ્પીય સભ્યતા

      20 મી સદી પૂર્વે વિશ્ર્વની મોટાભાગની પ્રાચીન સભ્યતાઓ શોધાઈ ચૂકી હતી. ભારત વિષે એમ મનાતુ કે આ કક્ષાની સભ્યતા ભારતમાં ઉદભવી નથી. 1921માં હડપ્પા શોધાયું અને ભારતનું આ મ્હેણું ભાગ્યું. યુ. પી. એસ. સી. ,નેટ-સ્લેટ,જી.પી.એસ.સી. જેવી મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેતી બંધારણીય સંસ્થાઓ આ સભ્યતા વિશે વિધ્યાર્થીઓ અને ઉમેદવારોનું સંપૂર્ણ જ્ઞાન ચકાસતા પ્રશ્ર્નો પૂછે છે. જેમાં મને એક વિશેષ પ્રશ્ન એ જણાયો કે શું હડપ્પીય (સિંધુ ખીણ સભ્યતા)એકાએક–અચાનક–આપોઆપ પ્રગટ થઈ હતી ? આ પ્રશ્રનો જવાબ હું આપ સૌને એક અગત્યના ગ્રંથોની સમીક્ષા દ્વારા આપવા માગું છું. એ ગ્રંથનું નામ છે. “The Rise of civilization in India and Pakistan”.

       કેમ્બ્રિજ યુનિવર્સિટીના Indian Studies વિભાગના રીડર ડો. રેમન્ડ અને વોલ્ફસન કૉલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના ફેલો બ્રિજેટ આલ્ચીન ખૂબ જાણીતા પુરપુરાતત્વ વિજ્ઞાનીઓ અને ઇતિહાસના સંશોધકો છે. તેઓએ ખાસ કરીને એશિયા ખંડના પુરપુરાતત્વિય અવશેષોનું અધ્યયન કરીને એશિયાના આધ ઈતિહાસને વિશ્વ સમક્ષ તેના વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં વૈજ્ઞાનિક નિરૂપણથી આલેખ્યો છે. તેમનું આ પૂર્વેનું પુસ્તક “The Birth of Indian Civilization” વૈશ્ર્વિક ખ્યાતિ ધરાવે છે.

    મનુષ્યના વ્યવહારમાં જ્યારે ભાષાનો સમાવેશ ન હતો થયો અથવાતો તત્કાલીન ભાષાચિન્હો હજી સુધી ઉકેલી શકાયા નથી તેવા સમયમાં એટલે કે આજથી 5000 વર્ષો પૂર્વેનો ઇતિહાસ તેમણે Archealogy, Geomorphology, Palaeobotany and Palaeoclimatology naa વિવિધ સંદર્ભ સંશોધન દ્વારા સમજાવ્યો છે.

   પુસ્તક ‘The Rise Of civilization In India and Pakistan”. તેના શીર્ષકથી જ સ્પષ્ટ થાય છે કે ભારતમાં સભ્યતાનો ઉદય કેવી રીતે થયો તે સમજાવે છે. આ પુસ્તક ત્રણ ભાગમાં વહેચાયલુ છે. જેમાં એશિયામાં પુરાતત્વવિદ આધારિત સંશોધનો, તેની સમસ્યા, ભૌગોલિક પરિસ્થિતિથી ઉત્પન્ન વિષમતાઓ અને તેનાથી આવેલા પરિવર્તનો તથા એશિયા ખંડમાં પુરપુરાતત્વનો શાસ્ત્રનો વિકાસ આલેખી ભારતમાં સભ્યતા કઇ રીતે અસ્તિત્વમાં આવી તે સ્પષ્ટ કર્યું છે. શું સભ્યતા એકાએક પ્રગટ થાય છે. તેનો જવાબ 373 પાનામાં આ પુસ્તક રસપ્રદ રીતે મૂકે છે.

      ભાગ-1 :-Constituent Elements નામના પ્રથમ વિભાગમાં લેખકોએ ભારતમાં Prehistoric Environments ની ચર્ચા કરી છે. જેમાં ઇ.સ. પૂર્વે 2000 વર્ષો પહેલાના ભારતીય પર્યાવરણ અને માનવજીવનની ચર્ચા છે. ભૌગોલિક પરિપ્રેક્ષ્ય અને તત્કાલીન ભારતીય ભૂમિ વિસ્તારનું વાતાવરણ અને ભારતીય પ્રજાનું તે વાતાવરણ સાથેનું સમાયોજન તેમણે આલેખ્યું છે. તેની સાથે સાથે તેમણે The Earliest South Asian નામના પ્રકરણમાં દક્ષિણ એસિયામાં શોધાયલા પાષાણયુગીન સ્થળો વિષે અને ત્યાના માનવીની પ્રવૃત્તિઓ વિષે ચર્ચા કરી છે. ત્રીજા પ્રકરણમાં જેનું નામ Hunter Gathers and Nomadic Pastoralists માં શિકારી અવસ્થામાં જીવતા અને વિચારતા ભારતીય માનવાનો ઇતિહાસ આપ્યો છે. Food Elements તેમના ખોરાકની રીતભાત દર્શાવે છે.આ અવસ્થાનો માનવ પ્રૌધોગિકી તરીકે પથ્થરનો કઈ રીતે ઉપયોગ કરતો અને ક્રમશ: અનુભવ અને બુધ્ધિના ઉપયોગથી આ પથ્થરો કઈ રીતે નાના કદના અને તીક્ષ્ણ થતાં ગયા તેમજ તેની ટેકનોલોજીમાં કેવા પરિવર્તનો આવ્યા તેના સંદર્ભમાં આપણી સમક્ષ મૂકે છે.   

          The First Agricultural Communities નામના પ્રકરણમાં ઇ.સ.પૂર્વે 7000 વર્ષની આસપાસ નવપાષાણયુગ દરમિયાન ભારતમાં કૃષિ ક્રાંતિનો ઇતિહાસ આલેખતા લેખકો કૃષિની શોધને માનવજીવનની એક મહાન ઘટના લેખે છે કારણકે તેનાથી માનવીના વિચરતા જીવનના અંતની શરૂઆત થઈ. પશ્ર્ચિમોત્તર ભારતમાં કૃષિની શરૂઆત હોવાથી સૌપ્રથમ સ્થાયી વસાહતોનો આરંભ આપણને જોવા મળે છે.

         ભાગ-2 માં Indus Urbanism નામના પ્રકરણમાં તેમનો મુખ્ય ઝોક ભારતીય ક્ષેત્રની કૃષિમાં અને તેની ટેકનિકમાં ક્રાંતિ થવાથી સિંધુ નદીના ખીણ વિસ્તારમાં ઊભી થતી કૃષિ વસાહતો અને ત્યારબાદ કૃષિના વિકાસ અને તેના Surplus market Economy આધારે ઊભા થતાં શહેરી કેન્દ્રોની વિકસાત્મક રજૂઆત કરવામાં આવી છે. The early Indus Period માં ઊભી થયેલી શહેરી વસાહતો અને તેમની વચ્ચેના અંતર સંબંધો સમજાવવામાં આવ્યા છે.જ્યારે The mature Indus Civilization Part-I and Part-II માં પરિપક્વ હડપ્પીય સભ્યતાનું વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં તેનું ઉત્ખનન, તેની શભ્યતા તરીકેની ઓળખનો ઇતિહાસ, તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ તરીકે તેની નાગરરચના,સામાજિક જીવન, આર્થિક જીવન,ધાર્મિક જીવન અને હડપ્પીય સ્થળોનો એક બીજા સાથેનો વ્યાપરિકઅને સાંકૃતિક વ્યવહાર તેમજ તત્કાલિન વૈશ્વિક સભ્યતાઓ જેવી કે મેસોપોટેમિયા અને ઈરાની અખતના દેશો સાથેનો સંપર્ક આલેખવામાં આવ્યા છે.

        ભાગ-3 માં સિંધુ સ્ભયતાનો વારસો દર્શાવવામાં આવ્યો છે. જેમાં સભ્યતાનો વિકાસ અને તેનો અંત પણ આલેખ્યો છે. હડપ્પીય સભ્યતાના પતનનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવી સભ્યતાનો નાશ નહીં પરંતુ તેના સ્વરૂપમાં આવેલ બદલાવને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રકરણ-11 માં ઇન્ડો-યુરોપીયન ભાષા બોલનાર લોકોનો ભારતમાં પ્રવેશ અને તેઓનો ફેલાવો દર્શાવવામાં આવ્યા છે. ઇન્ડો-યુરોપીયન

ભાષા અને તત્કાલિન ભારતીય ભાષા વચ્ચેનું આદાન-પ્રદાન અને નવીન સાંસ્ક્રુતિક પરિમાણોથી ઊભી થતી સંસ્કૃતિનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. પ્રકરણ-12 માં ભારતમાં ઇ.સ.પૂર્વે 1000માં થયેલ લોખંડની શોધતી ફરી એક વખત કૃષિ ક્ષેત્રે આવેલ ક્રાંતિને  “Classical Indian Civilization” ના નામે Archealogical, Subcontinental unity and regional diversity ના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સમાજની આ વિશેષતા પ્રાચીન સમયથી જ રહી છે તેવું વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

      માનવસભ્યતા એકાએક પ્રગટ થતી નથી. ભારતમાં ઇ.સ.પૂર્વે 50000 વર્ષોથી ચાલતી રહેલી પ્રક્રિયામાં નવપાષાણયુગમાં તાંબાની શોધતી કૃષિ ક્ષેત્રે મહાન પરિવર્તનો આવ્યા.અને ગ્રામીણ વસાહતોનું સ્થાન એક મહાનગરીય હડપ્પીય સભ્યતાએ લીધું. તો આરી સંસ્કુતિને આ પુસ્તકે તેના મૂળમાથી આપણી સમક્ષ મૂક્યું છે. આ પુસ્તક કોઈ પણ વ્યક્તિને ભારતમાં સભ્યતાના ઉદય વિકાસ અને બદલાતા પરિવર્તનોના સંદર્ભે એક વૈજ્ઞાનિક અને સંશોધિત સંદર્ભ ગ્રંથની ગરજ સારે છે. તેમાં ચિત્રો, ટેબલ્સ દ્વારા પુરાવા પણ છે અને પ્રકરણ પ્રમાણે સંદર્ભ ગ્રંથો પણ આપવામાં આવ્યા છે.

    ઉપર્યુક્ત પુસ્તકને આપણે સૌએ જોવું રહ્યું સાથેસાથે વિભિન્ન ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓમાં હડપ્પીય સભ્યતાના ઉદભવથી લઈને તેની લાક્ષણિકતાઓ જેમ કે તેનો સામાજિક જીવન , રાજકીય જીવન, ધાર્મિક જીવન, આર્થિક જીવન, સભ્યતા વચ્ચેનો આંતરસંબંધ, સભ્યતાની વિશેષતા, સભ્યતાએ વિશ્ર્વને અને ભારતને કરેલ પ્રદાન વિશે અનેક પ્રશ્ર્નો પૂછાય છે. તો સભ્યતાના કેટલાક સ્થળ વિશેની માહિતી પણ અવારનવાર પૂછાય છેતે દ્રષ્ટિએ પણ તેનું અધ્યયન કરવું જોઈએ.

     હડપ્પીય સભ્યતા :- વોટસ અને માર્શલે તેનું ખોદકામ કરાવ્યુ હતું. પરિપક્વ હડપ્પીય સભ્યતાનો સમય વૈજ્ઞાનિક રીતે ઇ.સ.પૂર્વે 2350 થી ઇ.સ.પૂર્વે 1750નો નિયત થયેલો છે. હડપ્પાની પુરોગામી સંસ્કૃતિઓમાં બલૂચિસ્તાનના પહાડોના ગામોમાં જોવા મળેલી નલ સંસ્કૃતિ’, મકરાનના કિનારેથી સિંધુના મુખ સુધી ફેલાયેલા ગામોની કુલ્લી સંસ્કૃતિ અનેરાજસ્થાન તથા પંજાબની નદીઓના કિનારાના કેટલાક ગ્રામ સમુદાયોની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. ઇ.સ.1921 માં દયારામ સહાણિએ હડપ્પાની ષોડ કરી ત્યાર બાદ બીજા જ વર્ષે એટલેકે ઇ.સ.1922માં મોહેજો-દડોની શોધ રખાલદાસ બેનરજીએ કરી.પશ્ર્ચિમોત્તર ભારતમાં ત્યાર પછી ઘણાં સ્થળો જેવા કે ચાન્હુ-દડો, કોટદિજો, આમરી, બનાવેલી શોધાયા. આ સભ્યતાને શરૂઆતમાં સિંધુ ખીણની સભ્યતાથી ઓળખવામાં આવી. કારણ કે લગભગ સ્થળો સિંધુ નદીના ખીણ વિસ્તારમાં આવતા હતા. પરંતુ ઇ.સ. 1932માં રંગપુર, ઇ.સ. 1954માં લોથલ, કાશ્મીરમાં માંડા, ઉત્તરપ્રદેશમાં આલમગીરપુર, રાજસ્થાનમા કલિબગન,ગુજરાતમાં રોઝડી, દેશળપર,ધોળાવીરા,ભગતળાવ જેવા સ્થળો કે જેઓ સિંધુ નદી ખીણ વિસ્તારના નહોતા તેવા શોધાયા. તેથી હવે આ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા કહેવી અવૈજ્ઞાનિક લાગે. છેવટે નક્કી એવું થયું કે સભ્યતાનું જે સૌથી પ્રથમ સ્થળ મળ્યું છે તેના નામ પ્રમાણે સભ્યતાનું નામ નક્કી કરવું. વર્તમાનમાં આપણે તેને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. જો કે  સિંધુ ખીણ સંસ્કૃતિ શબ્દપ્રયોગ પણ વારંવાર થાય છે.      

      હડપ્પીય સ્ભ્યતની લાક્ષણિકતાઓજ્યારે સભ્યતાનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને તે અભ્યાસના વિકાસના પરિણામોને અને તેની વૈશ્વિક ઉપલબ્ધિયોને નજર સમક્ષ રાખવામા આવે છે. વિશ્વની અન્ય સ્ભ્યતાઓ સાથે તેના સંપર્ક પણ અને તેની વિશેષતાઓ પણ જોવામાં આવે છે. આ દ્ષ્ટિએ આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું.આપણે એ ખાસ સમજીશું કે આ સભ્યતા શહેરી સભ્યતા હતી. કારણ કે સભ્યતાને અંગ્રેજીમાં Civilization કહેવામા આવે છે જે મૂળ Civitas શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ શહેર એવો થાય છે. એટલે કે સભ્યતા તેને જ કહેવામા આવે જ્યાં શહેર કેન્દ્રમાં હોય. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે  શહેર એટલે એવી વસાહત જ્યાં 70% કરતાં પણ વધારે વસ્તી કૃષિ સિવાયના વ્યવસાયમાં હોય આ પરિપ્રેક્ષ્યમાં પણ આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું.             

     Town Planning and Settlement – Uniformity in town planning: આયોજનબદ્ધ નગરરચના એ તેની સૌથી મોટી લાક્ષણિકતા ગણાવી શકાય. શહેરોની રચના એકસમાન થયેલી છે. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત જોવા મળે છે. બન્નેને જુદો પડતો લગભગ 45 ફૂટ જેટલો રાજમાર્ગ વચ્ચે આવેલો છેપશ્ચિમમાં આવેલ કિલ્લાને ફરતો કોટ છે. સંભવત: કિલ્લામાં શાસકો રહેતા હોવા જોઇયે તેવા પ્રમાણ મળે છે. તેમની ક્ચેરીઓ પણ ત્યાં હોવી જોઇયે.પૂર્વ તરફ પણઆયોજનબદ્ધ નગરરચના જોવા મળે છે. રસ્તા કાટખૂણે કાપતા છે. મકાનો મોટેભાગે ઉપયોગિતાવાદની દ્રષ્ટિથી બનાવેલા છે. એક વિશેષતા આ મકાનોની તે છે કે તેના બારણાં રસ્તા તરફ ખૂલવાને બદલે અંદર તરફ ખૂલે છે.ઇતિહાસવિદો એમ માને છે કે મકાનના બારણાં જો રસ્તા તરફ ખૂલતાં હોય તો ભવિષ્યમાં રસ્તો કપાવાનો ડર પણ ઊભો થાય અને રસ્તો ટૂંકો થાય તેવો ખ્યાલ પણ એની પછાળ રહેલો છે. ગલીઓ માપમાં હતી, મોટી ગલી  નાની ગલી કરતાં બે ગણી હતી. મોટેભાગે ઈંટો (પકાવેલી અને સૂર્યથી સુકવેલી )વપરાતી. હડપ્પા પૂર્વેના કાળમાં હડપ્પા કાળની જેમ સમાન ઈંટ મળતી હતી. ઈંટનું માપ 28 × 14 × 7 હતું. તેનું પ્રમાણ 4:2:1 છે. ચૂનાનો ઉપયોગ પણ નોધાયેલો છે. છાપરા માટે લાકડાનો ઉપયોગ -4 મીટરના બીમ હતા. મોટાભાગના ઘરો પાસે કૂવાઓ હતા. બાથરૂમ બધામાં સામાન્ય હતું.

     ગટર યોજનાગટર યોજના એ તેનું વિશિષ્ટ લક્ષણ કહી શકાય. જે તેમની આરોગ્યની બાબત અંગેની ચીવટ દર્શાવે છે. બાથરૂમમાથી ઘરની બહાર રહેલ મોરીમાં ગંદુ પાણી નિકાલ થતું અને રસ્તાને છેવાડે તેને સમાંતર ગટરોની યોજના છે. પાણી ખુલ્લુ ન રહે તે માટે તેના પર ઢાકણ પણ લગાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં જે મેનહોલ આપણને જોવા મળે તેવા મેનહોલ પણ ત્યાં મળી આવ્યા છે જેનાથી સમયાંતરે મેનહોલ સાફ કરી ગંદા પાણીનો નિકાલ કરી શકાય.આ ગટરનું ગંદુ પાણી નગરની બહાર વહેવડાવી દેવામાં આવતું હતું.

    રસ્તાઓ: રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા અને ક્રમશ: શેરીઓમાં વહેચાય જતાં જોવા મળે છે. જાહેર રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. જેમાં લાકડાના સ્તભ પર બળેલી ચરબીના થર મળ્યા છે.

    રાજકીય જીવન એક સરખા માનક, સમાંન નગરઆયોજન, સમાન વેપાર-વાણિજ્યથી એ સ્પષ્ટ થાય છે કે એક સુદઢ રાજકીય વ્યવસ્થાપન હડપ્પીય સભ્તામાં રહેલું હશે. કેટલાક ઈતિહાસકારોના મત પ્રમાણે હડપ્પા અને મોહેજો- દડો એ બન્ને રાજધાનીના શહેરો હશે. જ્યાંથી સ્ભ્યતના તમામ સ્થળો પર રાજકીય નિયંત્રણ રાખવામા આવતું હશે.જો કે રાજ્યતંત્રની કઈ પ્રણાલી અથવા તો વિચારધારા અસ્તિત્વમાં હતી તે સ્પષ્ટ થતું નથી.વેપાર- વાણિજયને જોતાં રાજકાજમાં વેપારીયોનું મહત્વનુ સ્થાન હશે તેમ કહી શકાય.તો ઉન્નત નગરઆયોજન જોતાં રુમ- નાગરપાલિકાની કક્ષાનું રાજયતંત્ર હોય તેમ લાગે છે. મોહેંજો-દડોમાથી મળેલ સ્નાનાગરના અને મંગોલોઇડ પુરોહિતનું પણ રાજકાજમાં વર્ચસ્વ હશે તેમ માની શકાય. આ બધી સ્ંક્લ્પનાઓ કે ધારણાઓ જ્યાંસુધી સંપૂર્ણ સંશોધનથી સત્ય સાબિત ન થાય ત્યાં સુધી માત્ર અનુમાન જ ગણી શકાય.

    સામાજિક જીવન: નૃવંશીય સંશોધનથી ભારતમાં 6 મુખ્ય પ્રજાતિઓની માહિતી મળે છે. જેમાં સૌથી પ્રાચીન નિગ્રો હતા તેમના બાદ પ્રોટો- ઓસ્ટ્રેલિયાયી, મંગોલિયાયી, ભૂમધ્યસાગરીય અને પછી આર્ય સંસ્કૃતિથી સબંધિત પ્રજાતિઓ આવી.

    હડપ્પીય સભ્યતાના કેન્દ્રોમાં પ્રોટો-ઓસ્ટ્રેલિયાયી, ભૂમધ્યસાગરીય, આલ્પાઇન તથા મંગોલિયાથી હાડપિંજરો મળી આવ્યા છે. તેનાથી તેમના સામાજિક પરિવેશ વિશે માહિતી મળે છે એક રીતે વર્તમાન સમયમાં હડપ્પીય સભ્યતાના સ્થળોએ જે પ્રજા જીવી રહી છે. તે પ્રજાના જ પૂર્વસુરીઓ તેઓ હોવા જોઈએ.મળી આવેલા અવશેષો પરથી નૃવંશશાસ્ત્રીઓના અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાના સ્થળોમાં આ પ્રકારની વિદેશી પ્રજાતિઓ તથા સ્થાનિક પ્રજાતિઓનું સયુક્ત સામાજિક માળખું હોવું જોઈએ.સામાજિક રીતરિવાજોની બાબતમાં પણ સ્થાનિકીકરણ  ખાસ ભાગ ભજવતું હોય તેમ લાગે છે. લોથલ, કાલિબંગન, હડપ્પા અને મોહોંજો- દડોના સામાજિક રીતરિવાજોને લગતા મળેલા પુરાવા તે સ્પષ્ટ કરે છે.

    હડપ્પીય સભ્યતાના લોકો પહેરવામાં સુતરાઉ કાપડનો ઉપયોગ કરતાં હશે. તેઓ કેશગુંથન અને ઘરેણાં પહેરવાના શોખીન હશે તેમ પુરાવા ઉપરથી જણાય છે. હેરપિન, લિપસ્ટિક, બંગડીઓ, કાંસકા જેવા પ્રસાધનના સાધનો તેમના શોખના દ્યોતક છે. ચેસ, પશુઓની લડાઈ, માછલી પકડવાનો ઉધમ એ તેમને ગમતા વિષયો હતા.

    આર્થિક જીવન:  આર્થિક અને રાજકીય એકતા હતી તેમ લાગે છે. આયોજનબદ્ધ વેપાર બધાજ સ્થળોએ એક જ પ્રકારના ઓજારો વપરાતા અને આપસમાં આપ-લે થતી. વજન 1,2,4,8,16,64,160,320 જેમ 16 ના ગુણાંકમાં હતા.37.6 સે.મી.નો 1 ફૂટ હતો. હડપ્પીય મુદ્રા એ વેપારનું આવશ્યક માધ્યમ હતું. એ મુદ્રા પર પ્રાણીની છાપ અને કઈક લખાણ હતું. તેના પર દોરીની છાપ પણ પડી ગયેલ છે. હડપ્પીય સભ્યતામાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરનો વેપાર-વાણિજ્ય ચાલતો હતો. જેના પ્રબળ પુરાવા પ્રાપ્ત થયા છે. આંતરિક વેપારમાં કર્ણાટકમાંથી સોનું,ખેત્રી અને દક્ષિણ ભારતમાથી ચાંદી, દક્ષિણ ભારતમાથી સીસુ, સૌરાષ્ટ્રમાંથી ચાલ્સેડોની અને કાર્નેલિયન-અકીક,લોથલમાંથી મણકા,બિડ તથા ચાન્હુ-દડોમાંથી મણકા, ઉત્તર અફઘાનિસ્તાનના બદક્ષમાથી વૈદૂર્યમણી (લાપીસલાઝૂલી) તથા ગુજરાતમાંથી કપાસ તો ઉત્તર-પશ્ચિમના પ્રાંતોમથી કૃષિ વિષયક સામગ્રીનો વેપાર થતો.

    આંતરરાષ્ટ્રીય વેપાર એ આ સભ્યતાની મહાન વિશેષતા ગણાવી શકાય. તત્કાલિન મેસોપોટામિયા સભ્યતા સાથે સૌથી વધારે માત્રામાં વેપાર વાણિજ્ય થતો. ઈરાની અખાતના ઉર, કીશ, સુસા જેવા બંદરોના માધ્યમથી અને હડપ્પીય સભ્યતાના લોથલ,ધોળાવીરા અને સુતકાંજેન્ડોર જેવા બંદરોના માધ્યમથી વેપાર થતો. વેપારમાં હડપપીય સભ્યતા સુતરાઉ કાપડ, લાપીસલાઝુલી, ચાલ્સેડોની, કાર્નેલિયનચીજોનિકાસ કરાતી તો ઈરાન,અફઘાનિસ્તાન અને મેસોપોટામીયાથી ચાંદીની આયાત કરવામાં આવતી. મેસોપોટામીયા સાથે વેપાર થતો તેના પુરપુરાતત્વિય અને સાહિત્યિક- એમ બંને પ્રકારના પુરાવા મળે છે. લોથલમાંથી ઈરાની અખાતની સીલ મળી છે. બેહરીન તથા ઉરમાંથી અને ફૈલાકામાથી હડપ્પી સીલ મળી છે. મુગન અને મેલુખ્ખા એ અક્કડના રાજા સારગોનન શિલાલેખમાં દર્શાવેલ ત્રણ સ્થળો છે જેમાં મેલુખ્ખાની ઓળખ કદાચ મોહેન્જો-દરો સાથે થાય છે.

    (5)કૃષિ અન પશુઓ:  ઘેટાં, બકરા, બળદો, હડપ્પીય મુદ્રાઓમાં જોવા મળે છે. હાથી અને ઊંટ (કાલીબંગન) પણ છે. સુતરાઉ કાપડ-મહરગઢ, બાજ અને હરણ પણ છે. આમરીમાં ગેંડો હોવાના પુરાવા મળ્યા છે. ઘોડા ક્યાય જોવા મળેલ નથી.

ઘઉં, બાજરી, જવ(ઘઉં, જવ, રવીપાક), શેરડી અને વાલ, કપાસ પણ છે. શણની શક્યતા (કપાસ ખરીફ પાક), દાતરડા (તાંબાના), કાલીબંગનમાં ખેડેલ ખેતર મળી આવેલ છે. ખેડવા માટે હળનો ઉપયોગ થતો જે માટે ભાગે લાકડાના હતા.

    (6)તામ્ર- કાંસ્ય ટેક્નોલોજી(Copper-Bronze Technology): હડપ્પન ટેકનૉલોજી એ તામ્ર-કાંસ્ય ટેક્નોલોજી કહેવાય છે. શરૂઆતમાં ટેકનૉલોજીનું માધ્યમ કેલ્કોલિથિક હતું પરંતુ પરિપક્વ હડપ્પન સભ્યતામાં કાંસાની બનાવટથી તામ્ર-કાંસ્ય ટેક્નોલોજી વિકસી. જેથી આ સભ્યતાનો તીવ્ર ગતિથી વિકાસ થયો. કાંસાના અને તાંબાના ચપ્પુ, , છરી, દાતરડા, બાણ વગેરે પ્રાપ્ત થાય છે. સોનું અને ચાંદી પણ મળે છે. સુકરમાં પથ્થરના ઓજારો બનાવવાનું કારખાનું મળી આવેલ છે. બ્લેડસ બનાવવાના કારખાના પણ મળ્યા છે. સ્ટીએટાઈટમાંથી સીલ બનતી. વૈદૂર્યમણીમાથી બીડ બનતા. એસિડ નો ઉપયોગ થતો. ચૂલા બનાવવામાં પણ સ્ટીએટાઈટ નો ઉપયોગ થતો. કાર્નેલિયન પથ્થરમાંથી બીડ બનતા.

   માટલાહડપ્પન પોટરી ભારતની પ્રાચીન પોટરી ટેકનિકમાં અનોખી છે. તે ચાક પર ચઢાવીને બનાવવામાં આવતી તેના પર ભૌમિતિક ડિઝાઇનો, ઝાડ, પાંદડા, પક્ષિઓ, માછલી, પશુઓ ચીતરેલા હતા. આ પોટરીનું એક અગત્યનું લક્ષણ એ પણ કે તે પ્રાદેશિક ધોરણે પણ બનતાં.

   (7) કલા :- હડપ્પન કલા પણ કેટલીક ખાસ લાક્ષણિકતાઓ ધરાવે છે. જે મળી આવેલા પૂરાવા પરથી સ્પષ્ટ થાય છે. માટીના રમકડાં વૈવિધ્યસભર છે. જેમાં વાદરા , પશુ-પક્ષી , બળદ હતા. પૂતળા સ્ટીએટાઈટ અને ચૂનામાથી બનતા તેમ જણાય છે. હડપ્પામાથી નગ્ન પુરુષની મૂર્તિ મળી આવી છે. મોહે-જો-દરોમાથી પ્રાણીઓની મૂર્તિઓ મળી આવી છે. મોહેજોદડોમાથી નાચતી સ્ત્રી ( નગ્ન ) ની કાસ્ય મુર્તિ મળી આવી છે. ટેરાકોટાના 2000 સીલ ( માટીની મુદ્રાઓ ) મળી આવી છે જેમાં પ્રાણીઓ ( એક શિગડાવાળા મેસેપોટેમિયાના દેવ જેવા ) અને નાના અક્ષરોમાં કઈક લખાણ મળેલ છે. એક શૃગીબળદ, વાઘ, હાથી, જંગલી ભેસ, ગેંડો વગેરેની આકૃતિ મુદ્રાઓ પર જોવા મળે છે.

   (8) ભાષા અને લિપિ :- દ્રવિડિયન કુળની લિપિ જે હજી ઉકેલાઈ નથી. કેટલાક ભાસાવિદોએ તેને ઉકેલવા પ્રયત્ન કર્યો છે. જેમ કે, ડો. એસ.આર .રાવ, પણ આ લિપિ ઉકેલી શકાઈ નથી , તેનું એક કારણ એ પણ છે કે તેવો જ અર્થ ધરાવતા શબ્દોમાં બીજી ભાષાના કોઈ પ્રમાણો મળ્યા નથી. વળી તે પિકટોગ્રાફિક લિપિ હોઇ ચિન્હથી ભાષાની ઓળખ સ્થાપિત થતી નથી. ડ. ત . વૃક્ષ દોરેલ હોય તો વૃક્ષ સમજી શકાય પરંતુ તે કયું વૃક્ષ છે તે સમજી શકાતું નથી. મેસેપોટામિયા અને ઈજિપ્તમાં જે લિપિઓ પ્રચલિત હતી. તેના પૂરાવા તેના ભાવ સહિતના શબ્દો સાથે મળ્યા છે. તેથી તે લિપિ ઉકેલી શકાઈ છે. વળી હડપ્પીય લિપિ તેની સમકાલીન વૈશ્વિક ભાષાઓ સાથે કઈ રીતે કામ પાર પાડતી તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. એટલે જ અન્ય સભ્યતાઓ ની સરખામણીમાં હડપ્પીય સભ્યતા વિશે આપણે સ્પષ્ટતાપૂર્વક સંપૂર્ણ ઇતિહાસ જીણી શકતા નથી. આ લિપિના 400 જેટલા ચિન્હો પ્રાપ્ત થયા છે જે મહંદઅંશે શેલખડીની નળાકાર મુદ્રામાં અને તાબાની મુદ્રાઓ પર જોવા મળી છે. તેનું લખાણ ડાબેથી જમણે તરફ છે.

    (9)ધર્મ આ સભ્યતાના ધર્મ વિશેના અનેક પ્રમાણો પુરપુરાતત્વીય અવશેષો તરીકે મળી આવ્યા છે. સમાજમાં ધર્મનું પૂરતું મહત્વ હશે તેમ તેના પરથી લાગે છે . મોહેજો- ડદોમાથી સ્ત્રીની એક મૂર્તિ મળી આવેલ છે. જેના ગર્ભમાં થી વુક્ષ નીકળતું દર્શવાયુ છે. જે પ્રતિકાત્મકરૂપે ધરતીમાતા તરીકે સ્થાપિત થયું છે. એટલે કે તેઓ ફળદ્રુપતાની દેવીની ઉપાસના કરતાં હશે. સૌથી વધારે પ્રમાણ માતૃકાદેવીનું મળે છે. એક મુદ્રા પર વૃક્ષ અંકિત થયેલું છે. અને તેમાં એક ઝટાધારી દેવતા બેઠેલા જણાય છે. જે વૃક્ષ દેવતનું પ્રતિક છે. તો અન્ય કેટલીક મુદ્રાઓ પર એક દેવતાની ફરતે વાઘ, ગેંડો, બળદ જેવા પશુઓ અંકિત થયેલા છે. જે પશુપતિ શિવને મળતા આવતા હોય તેમ જણાય છે. જો કે એ પશુપતિ શિવજ છે તેવું હજી સ્થાપિત થયું નથી. વૃક્ષ દેવતા, નાગદેવતા, યોગી, પીપળનું વૃક્ષ, સપ્તર્ષિ, એકશૃગી યોગિની આકૃતિઓ મોટા પ્રમાણમાં મળી આવેલ છે. તેથી તે સ્પષ્ટ થાય છે કે તેઓ પ્રકૃતિપુજા – શક્તિપુજા સાથે સંકળાયેલા હશે. આ સીવાય ખાસ કરીને ખુધવાળા બળદ, હાથી, સિહ અને સ્વસ્તિકની હાજરી પણ મોટા પ્રમાણમાં છે. જેની તેઓ પુજા કરતાં. મુર્તિપુજાના પ્રમાણો બહુ મોટી સંખ્યામાં મળે છે. તેથી તેઓ મૂર્તિપૂજક હતા તેમ કહી શકાય. લોથલ અને કાલિબગનમાં અગ્નિપૂજાના પુરાવા પ્રાપ્ત થયા છે. લોથલમાં બે અને કાલિબંગનમા અગ્નિપૂજા માટેની 7 અગ્નિવેદીઓ મળી આવી છે. અન્ય કોઈ જગ્યાએ આવા પુરાવા પ્રાપ્ત થતાં નથી. તેથી તેમાં કહી શકાય કે ધર્મ અને સામાજિક ક્ષેત્રે સ્થાનિક બાબતો પણ મહત્વપૂર્ણ હતી. કલીબંગનમાંથી મળી આવેલા અગ્નિવેદીઓમાં પ્રાણીઓના હાડકાં અને રાખ મળી આવેલ છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ પશુબલિમાં માનતા હશે.   

      (10)સબધાનની વિધિયો હડપ્પા અને મોહેંજો-દડોના શરૂઆતના ઉત્ખનનમા શબાધાન વિધિ બહુ સ્પષ્ટ થતી ન હતી. સાર જ્હોન માર્શલ અને વોટસે પશ્ચાત હડપ્પી સેમેટરી એચ. તરીકે તેનું નામાભિધાન કર્યું. 1937 અને 1941 દરમિયાન આ સેમેટરી એચ. ને બદલે આર- 37 સ્થાપિત થયું. ત્યાર બાદ 1946 માં વ્યહીલરે 3 અન્ય હડપપન સેમેટરીઝનું ઉત્ખનન કર્યું. બહાવલપૂરનું દેરાવર જે સ્ટેઇને શોધ્યું ત્યાર બાદ લોથલ અને કાલિબંગનમાં પણ હડપપીય શબાધાન વિધિ ની લાક્ષણિકતાઓ પ્રગટ થઈ. આ બધા જ પુરાવા પરથી તે સાબિત થયું કે તેઓમાં મૃતકોને દાટવાની અને બાળવાની એમ બંને પરંપરાઓ હતી. મૃતક ને ઉત્તર તરફ માથું રાખીને કોફિનમાં દાટવામાં આવતા. કબરમાં માટીના વાસણો અને ઘરેણાં મળી આવેલ છે. જે મૃતકના પુનર્જન્મની સાથે સંકળાયેલ પરંપરા દર્શાવે છે. આ મુદ્દે ઇજિપ્તની અને મેસોપોટામીયાંની સભ્યતા સાથે તેનું સામ્ય છે. કબરો બ્રીકની બનેલી છે અને કાલિબંગનમા તે 4×2 મીટરની જોવા મળે છે. હડપપમાં કોફીન શબાધાનની સાથે અનાજ અને શબ ઉપર ઢાકેલું કાપડ મળી આવ્યું છે. કાલિબગન આ બાબતે કેટલી ખાસ વિશેષતાઓ ધરાવે છેત્યાં ગોળ ખાડાઓમાં દાટેલા શબના અવશેષો મળી આવ્યા છે જો કે ખોપરી મળતી નથી. લોથલમાં એક વિશિષ્ટ પ્રકારની શભાધાન વિધિ જોવા મળે છે. જ્યાં એક સાથે બે વ્યક્તિને લાઇનસર દાટેલી (એક સ્ત્રી પુરુષ સાથે પણ છે. ) જગ્યાઓ મળે છે. કેટલાક ઇતિહાસકારો એવું અનુમાન કરે છે કે લોથલમાથી મળેલ શબાધાન વિધિ એ ભારતમાં સતીપ્રથાની શરૂઆત બતાવે છે જો કે હજી તે પૂર્ણ: સ્પષ્ટ થતું નથી.

   (11) હડપ્પીય સભ્યતાના મુખ્ય શહેરો અને તેની વિશેષતાઓ :

       (અ) હડપ્પા: પ્રસિદ્ધ ડેમોગ્રાફર લેમ્બાર્કના મતે હડપ્પાની જનસંખ્યા 23,000 જેટલી હતી. આજના મતે તે જેને સમયનું મહાનગર ગણી સકાય. હડપ્પાએ પંજાબના મોન્ટગોમરી જીલ્લામાં રાવી નદીના કિનારે વસેલું હતું. હડપ્પાની વિશેષતા ત્યાંથી મળેલા અન્નભંડાર છે. હડપ્પામાં મોહન-જો-દડો કરતાં ઓછું ઉત્ખનન થયેલ છે. ત્યાથી મળેલા મોટા કોઠારો 16×6 મીટર વાળી 6 ની લાઇનમાં મળી આવેલા છે જે તેનું મુખ્ય આકર્ષણ છે. સાથેસાથે કારીગરોના આવાસ અને ઇટોના ગોળ ચબૂતરા તેમજ અનાજ રાખવાના ગોદામો મળેલ છે. પૂર્વ તરફના સામાન્ય પ્રજાના આવાસીય ક્ષેત્રની દક્ષિણમાં એક કબ્રસ્તાન પણ મળ્યું છે. આ શહેરના નીચેના ભાગના કારીગરોના મકાનો ઈજિપ્તના  તેલ- અલ- અમર્ના ની સાથે સામ્ય ધરાવે છે.

     (બ) મોહેજો-દડો પ્રસિદ્ધ ડેમોગ્રાફ લેમ્બાર્કના મતે મોહેજો- દડો વસ્તી 35,000 જેટલી હતી. જે હડપ્પા કરતાં પણ વધારે છે. તે સિંધના લારખના જિલ્લામાં સિંધુ નદીના કિનારે વસેલું હતું. તેનો આકાર લગભગ એક ચોરસ માઈલ જેટલો હતો. મોહેનજો- દડોના મુખ્ય આકર્ષણોમાં કોઠાર, સ્ન્નાનાગાર,કોલેજ અને વિધાનગૃહ છે. સ્ન્નાનાગર એ તેની ખાસ વિશેષતા છે તેનું માપ 12 મીટર ×7 મીટર ×3 મીટર છે. આ સ્ન્નાનાગર ધાર્મિક સ્ન્નાન માટે વપરાતું હશે તેમ લાગે છે. મોહેજો- દડોમાં મળી આવેલ સ્તંભયુક્ત ભવનને સભાસ્થળ અથવા તો બજારની સંગા આપવામાં આવે છેસ્ન્નાનાગારમાં બિટૂમનાનો લેપ કરવામાં આવેલ છે. જેથી પાણી બહાર વહી ન જાય. સ્નાનાગાર ફરતે કપડાં બદલવાની ઓરડીઓ મળી આવી છે અને બાજુમાં એક પુરુષની મુર્તિનો ભગ્નાવશેષ છે. આ પુરુષે ખભા ઉપર દાબેથી જમણે તરફ જતું કપડું વિટાળ્યું છે. એન્ર્થોપોલોજિકલ સ્ટડી પ્રમાણે તે મોંગોલોઇડ પ્રજાતિનો હોય તેમ જણાય છે. તેને મૂછ નથી પરંતુ દાઢી છે. આ વ્યક્તિ પુરોહિત હોય તેમ જણાય છે. 

   (ક) લોથલ : ઇ. સ. 1954માં ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનાં સરગવાળા ગામની સીમમાં ભોગાવો નદીના કિનારે એસ. આર. રાવ દ્વ્રારા તેનું ઉત્ખનન કરવામાં આવ્યું. સમગ્ર હડપપીય સભ્યતામાં મોટા વ્યાપારિક મથક તરીકે લોથલને ગણાવી શકાય. ત્યાથી વહાણ લાંગરવાનો ધક્કો, બીડ બનાવવાની ફેક્ટરી અને કારીગરોના અસંખ્ય માકોનો તેમની કાર્યશાળાઓ આવેલા અવશેષો મળ્યા છે. લોથલ એ પૂર્વ હડપ્પાકાલીન, પરિપક્વ હડપ્પાકલીન અને પશ્ચાત હડપ્પાકલીન વસાહત હોવાથી તેનું મહત્વ ઘણું વધારે છે. લોથલમાથી બે ઈરાની અખાતની સીલ મલી આવેલ છે. જે વિદેશો સાથે તેના વ્યાપારિક સબંધો સૂચવે છે. લોથલમાથી યુગ્મ શબાધાન મળી આવ્યું છે. તેનો પીઠ પ્રદેશ અકીક, ચલ્સેડોની, શેલખડી અને કાર્નેલિયન જેવા કિમતી પથ્થરો અને કાચા માલનો હોઈ તે એક મોટું ઔધ્યોગિક કેન્દ્ર હતું. અહીથી નાના મૃત બાળકની ખોપરી મળી આવેલ છે. જેમાં ખોપરીમાં કાણું પાડી મગજની શસ્ત્રક્રિયા કરેલ હોય તેવો પુરાવો પ્રાપ્ત થયો છે. લોથલનો વેપાર ઈરાની અખાતના માધ્યમમાથી મેસોપોટામીયા સભ્યતા સાથે મોટા પ્રમાણમાં થતો.

     (ડ) કાલીબંગન :રાજસ્તાનમાં ઘગ્ગર- હકરા નદીખીણ વિસ્તારમાં આવેલું આ સ્થળ હડપ્પીય સભ્યતાનું મહત્વનુ નાગર હતું. તેની પાસે જ આવેલી ખેતડીની તાબાની ખાણોમાથી પૂરતું તાબૂ મળી રહેતા અહી તામ્રકાસ્ય અને તામ્રઓજારો મોટા પ્રમાણમાં મળી આવેલ છે. એક રીતે હડપપીય સભ્યતાને ઉજાગર કરવામાં કાલીબંગનનો ટેક્નોલોજિકલ ફાળો બહુ જ મહત્વનો છે. અહીથી ખેડેલ ખેતરનો પુરાવો પ્રાપ્ત થયો છે. સ્પષ્ટ છે કે કાલીબંગનની આસપાસ મોટા પ્રમાણમાં કૃષિનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો હશે અને એ સરપ્લસ એગ્રીકલ્ચર પ્રોડક્ટમાંથી કાલીબંગન જેવી શહેરી વસાહત ઊભી થય હશે. કાલીબંગનની  બીજી વિશેષતા તેનું નાગરઆયોજન છે. નગરને ચારે તરફ કોટ છે. જે અન્ય જગ્યાએ ગેરહાજર છે. જો કે કાલીબંગનના ઘરો કાચી ઈટોના બનેલા હતા અને વ્યવસ્થિત ગતરાયોજના જોવા મળતી નથી. હવનકુંડો એ તેની ખાસ વિશેષતા ગણાવી શકાય.

     (ઈ) ચાન્હુ-દડો : તેના ખૂબ નાના ભાગનું ઉત્ખનન થયેલું છે અને અહીથી મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. તે પણ લોથલની જેમ ઔદ્યોગિક નગર લાગે છે.

   (ઇ) સુરકોટડા :કાલીબંગનની જેમ જ નાગરઆયોજન જોવા મળે છેઅહીથી ઘોડાના પગનો એક સંદિગ્ધ અવશેષ પ્રાપ્ત થયો છે. જો કે અન્ય કોઈ હડપ્પીય સ્થળોમાં ઘોડાના અવશેષ મળતા નથી. અહીથી મળેલ અવશેષના માધ્યમથી સમગ્ર સભ્યતામાં ઘોડાની હાજરી હતી તેમ સામાન્યપણે કહી શકાય નહી.

  ( ઉ ) સુતકાન્જેન્ડોર : મકરાણ તટે આવેલ આ અગત્યનું બંદર હશે. એક રીતે જોઇયે તો તેની હિન્ટરલેન્ડ રણ વિસ્તારમાં આવેલી છે. તેમ છતાં વેપાર-વાણિજ્યને લીડગે તેનો વિકાસ થયેલો જોવા મળે છે. લોથલ કે ધોળાવીરાથી ઈરાની અખાત તરફ જતાં અને ત્યાથી આવતા જહાજો સુતકાન્જેન્ડોર રોકાતા હશે એમ તેમ જણાય છે. એટલે કે સુત્કાન્જેન્ડોર બંને સભ્યતાઓને જોડતી કડીરૂપ બંદરી શહેર હતું.

      (ઊ) ધોળાવીરા: અગ્રગણ્ય ભૌગોલિક સંશોધનો અનુસાર ઈ. સ. પૂર્વે 10000ની આસપાસ પશ્ચિમ ભારતનો વિસ્તાર જ્યાં અત્યારે રણ આવેલ છે. તે હરિયાળો હતો. આપણે જોયું તેમ પૂર્વે 5000 વર્ષ પહેલા તાંબાની શોધે કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ આણી જેને પુરપુરાતત્વ શાસ્ત્રીઓ નવાપાષાણ ક્રાંતિ કહે છે. ખેતીના વિકાસથી સરપ્લસ ઇકોનોમીનું સ્વરૂપ ઊભું થયું અને તેના ચરમવિકાસે ભારતના પશ્ચિમ ભાગમાં વિસ્વની પ્રાચીન મહાનતમ સભ્યતાઓની એકએવી હડપ્પીય સભ્યતાનું સર્જન કર્યું. ગુજરાતમાં આ સભ્યતાના 100 કરતાં પણ વધુ સ્થળો હોવાનું પુરપુરાતત્વવિદો અને ઈતિહાસકારો માને છે. ઈ. સ. 1989થી ઈ. સ. 1993 સુધીના સમયગાળામાં ઉત્ખનિત થયેલ કચ્છના ખદિરબેટ વિસ્તારમાં આવેલા ધોળાવીરા હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોમાં તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે આગવું સ્થાન પામ્યું છે.

       ધોળાવીરા ટીંબો ચારે તરફ રણ વિસ્તારથી ઘેરાયેલો છે. 20 કરતાં પણ વધારે પુરપુરાતત્વ શાસ્ત્રીઓ અને 600 થી પણ વધારે કર્મચારીઓએ આર્ક્રિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા ડો. બીસ્ટના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન કર્યું હતું.

       ડ્ંક્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનીના સંશોધનોએ એ સાબિત કયું કે વર્તમાન સમયમાં જ્યાં કચ્છનું રણ છે, ત્યાં પ્રાચીનકાળે સમુદ્ર અસ્તિત્વ ધરાવતો હતો. વાતાવરણમાં થયેલ પરીવર્તન એ ભૂસ્ખલન જેવા કોઈ કારણસર કાળક્રમે સમુદ્ર પુરાતો ગયો અને અત્યારનો રણ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો. ડો. બીસ્ટ ધોળાવીરાને આ સમુદ્ર કિનારે આવેલું મોટું વ્યાપારિક બંદર હશે તેમ માને છે. સુમેરિયન રાજા સારાગોનના ઈ.સ.પૂર્વે 2350 ના શીલા અભિલેખમાં સિંધુ નદીના મુખ પાસે આવેલ એક મહાબંદરનો સંદિગ્ધ નામોલ્લેખ છે. જેમાં મેલુખ્ખા, મુગન જેવા નામો છે. તે મહાબંદર ભારતની તત્કાલિન હડપ્પીય સભ્યતાના નામનો નિર્દેશ કરે છે. તે સંભવતઃ હડપ્પા, મોહેજો- દડો અથવા તો ધોળાવીરા હોવાનું ઈતિહાસકારો માનેછે.

     ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ (P.R.L) અમદાવાદનાં ભુતપૂર્વ વડા તો ડો. ઓ. પી. અગ્રવાલે ઉપગ્રહોની મદદથી ધોળાવીરા અંગે બહુ વિશિષ્ટ ગણી શકાય તેવું સંશોધન કર્યું છે જેમાથી ધોળાવીરાની પાણીના સંચાલન અંગેની કુનેહસભર દષ્ટિગોચર થાય છે. આપણે આગળ જોયું તેમ ભારતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવતા ક્રમશ:શહેરી સભ્યતા અસ્તિત્વમાં આવી જેનો જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ સાથે વ્યાપારિક અને સાંકૃતિક નાતો હતો.હડપ્પીય સભ્યતાના અન્ય કેન્દ્રો કરતાં પણ ભૌગોલિક પરિસ્થિતીને જોતાં ધોળાવીરાનું વોટર મેનેજમેંટ પૂરા વિશ્વમાં અદ્ધિતીય કહી શકાય તેવું છે.

     ડો. અગ્રવાલના સંશોધનથી સ્પષ્ટ એ સ્પષ્ટ થાય છે કે ઈ. સ. પૂર્વે 2000ના વર્ષો દરમિયાન વાતાવરણીય ફેરફારોથી ભારતનો પશ્ચિમ ભાગ રન વિસ્તારમાં ફેલાતો ગયો. હડપ્પીય સભ્યતાના અનેક ખંડેરો વિપુલ માત્રામાં પશ્ચિમોત્તર ભારતમાં મળી આવ્યા છે. તે સાબિત કરે છે કે અનુકૂળ વાતાવરણે અહી માહન સભ્યતાને ઊભી કરી અને પ્રતિકૂલ વાતાવરણ સભ્યતાના વિનાસનું અગત્યનું કારણ બન્યું.

      મોટાભાગના હડપ્પીય સભ્યતાના સ્થળો પાણીની છતવાળા વિસ્તારોમાં આવેલા હતા. ડો. અગ્રવાલના મતાનુસાર કચ્છના વિસ્તારમાં વર્તમાન સમયની જેમ જ પાણીની તંગીનું જટિલ સમસ્યાનો સામનો ધોળાવીરાની પ્રજાએ કરવો પડ્યો હશે. તેમાથી ધોડાવીરાને ઊગારવા વ્યવસ્થાતંત્રએ જે પ્રયત્નો કર્યા છે તે તેમની પ્રયોજનશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

      વર્ષાકાળ દરમિયાનઆવતા પાણીનો સંગ્રહ કરવાનો અદભૂત પ્રયાસ ધોળાવીરાએ ઈ. સ. પૂર્વેની 20મી સદીમાં કરી બતાવ્યો હતો. યોજના અનુસાર આસપાસના ઝરણાઓમાથી વરસાદનું પાણી નગરમાં લાવવામાં આવતા ઝરણાઓ ઉપર બંધ પણ બાંધવામાં આવતા. આ પાણી નગરના ત્રણ તળાવોમાં એકઠું કરવામાં આવતું. જળસંચય Rain Water Harvesting ની કેનાલો એક માણસ પસાર થાય એતલી મોટી અહીથી પ્રાપ્ત થઈ છે. ધોડાવીરાથી દૂર આવેલા માનસર તળાવમાથી પણ પાણી લાવવાનો પ્રયત્ન કરેલો જણાય છે. મકાનોના છાપરા પરથી પડી ગલીમાં જતું વરસાદનું પાણી ગલીયો અને ઢોળાવોની વ્યવસ્થાથી જળાશય સુધી પહોચાડવામાં આવતું. હડપ્પીય સભ્યતાની ધોડાવીરાની પ્રજાએ અને તેના વ્યવસ્થાતંત્રએ પાણી સંચાલન ક્ષેત્રે કરેલો આ પ્રયોગ કચ્છમાં તે સમયે પણ પાણીની અછત હશે તે સાબિત કરે છે અને વહીવટીતંત્ર  આ સમસ્યાને નિવારવા કેટલું કાર્યદક્ષ હતું તે દર્શાવે છે.

     ધોળાવીરાની બીજી એક મોટી વિશેષતા તેની નગરરચનામાં છે. અન્ય તમામ સ્થળોએ દ્વ્રિસ્તરીય નગારરચના જોવા મળે છે. જેમાં પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી હતી. ધોળાવીરામાં ત્રિસ્તરીય નગારરચના જોવા મળે છે. એનો અર્થ એ થયો કે ધોડાવીરા એ તત્કાલીન હડપ્પીય સભ્યતાનું મેટ્રોપોલીટન સીટી (મહાનગર) હશે.

       આ ઉપરાંત ધોડાવીરામાથી સ્તંભો, લેખિત સંજ્ઞા દર્શાવતુ સાઇનબોર્ડ, સ્ટેડિયમ, ઉત્કૃષ્ટ રમકડાં,નોળિયાના અવશેષ પ્રાપ્ત થયા છે.ધોડાવીરાની તોપોગ્રાફી અને પરિસ્થિતીકી પણ વિશિષ્ટ છે. ધોડાવીરાની પાસેથી જ ત્રણ કરોડ વર્ષ જૂના વૃક્ષના અવશેષો પ્રાપ્ત થયા છે. જે ટેન અસ્તિત્વ જુરાસિક કાળ સુધી લઈ જાય છે.

       ઇ.સ.1947માં રાષ્ટ્ર આઝાદ થતાં હડપ્પીય સભ્યતાના મોટાભાગના  સ્થળો પાકિસ્તાનમાં સામેલ થયા. હડપ્પા, મોહેંજો-દડો, ચાન્હુ–દડો, સુતાકાન્જેન્ડોર જેવા અગત્યના સ્થળો પાકિસ્તાનમાં જતાં લોથલ અને કાલિબંગન સિવાય આપણી પાસે ઉત્કૃષ્ટ નગરો રહ્યા ન હતા પરંતુ ધડાવીરાની શોધે ભારતીય પ્રજામાં ફરી એક વખત રોમાંચ ઊભો કર્યો છે.

      કેટલીક ધ્યાનાકર્ષક બાબતો :-  હડપ્પીય સભ્યતામાં ઉપયુક્ત અગત્યની બાબતો સિવાય જે મહત્વ પુરાવા મળ્યા છે અને ઉચ્ચકક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર પૂછાય છે. તેને આપણે અલગથી અહિયાં જોઈશું.

1)   મુંડીગક - પેઇટેન્ડ પોટરી (માટીના ચિતરેલા વાસણો) ચૂનાનું બનાવેકું મનુષ્યનું માથું, મહેલ, પથ્થરની બટન મુદ્રાઓ.

2)   દામ્બસદાત – ગારાની મુદ્રાઓ.

3)   મહેરગઢ – રંગીન પ્યાલો જેને સ્ટેન્ડ અને નાળચું પણ છે, માટીની મૂર્તિઓ.

4)   રહેમાનઢેરી – હાડકાની મુદ્રાઓ.

5)   લેવાણ – પથ્થરની કુહાડીઓ અને રીંગસ્ટોન, માટીની મૂર્તિઓ.

6)   ટકાઈકિલ્લા – સુક્ષ્મપાષાણ સિલિકા ગ્લોસ.

7)   કાલિબંગન – બાઉલ( મોટો વાડકો ), માટીના ચિત્રિત વાસણો, ખેડેલું ખેતર, અગ્નિવેદીઓ જે કિલ્લાના ભાગ તરફ આવેલી છે.

8)   લોથલ – બ્રિક બેસિન –ડોકયાર્ડ-વહાણનો ધક્કો, ઈરાની અખાતાની બે મુદ્રાઓ, ઉચ્ચ કક્ષાના રંગીન માટીના વાસણો જેમાં જગ અગત્યના છે. યુગ્મ શબાધાન.

9)   મોહેજો-દડો – વહાણની આકૃતિવાળી પથ્થર અને માટીની મુદ્રાઓ, માટીનું ગાડું, તાબા અને કાસાના સાધનો જેમાં પ્યાલા પણ છે, પથ્થરની બ્લેડ બનાવવાની ફેકટરી, ચૂનાનો મનુષ્યનો અગ્ર ભાગ, હાથી અને બળદને સાથે રાખેલ મુદ્રા, કાસાની નાચતી છોકરી, પથ્થરના પક્ષીઓ અને પ્રાણીઓ, માથું હલાવતો બળદ, તાજા જન્મેલ વાછરડાની મૂર્તિ, પ્રાણીઓ ચિત્રિત મુદ્રાઓ, માઇથોલોજિકલ અથવા ધાર્મિક સંદર્ભ દર્શાવતી મુદ્રાઓ, જેમાં પીપળનું વૃક્ષ, પશુપતિ, ગેડાના શિગડા, સ્ટારફિશ, વાઘ, એકશુગી પશુની મુદ્રાઓ( યુનિકોર્ન ), લીંગ. સોના, શેલખડી અને અર્ધકીમતી પથ્થરોના બનેલા ઘરેણાં, હાર, નેકલેસ વગેરે.

10) સુકર – પથ્થરની ફેકટરી.

11)  હડપ્પા – લાલ રેતીના પથ્થરની આકૃતિઓ, પથ્થરની નાચતી સ્ત્રીની મૂર્તિ.

શું હડપપીય સભ્યતા નાશ પામી હતી ? 

        ઇ.સ પૂર્વે 1750 પછી આ સભ્યતાના ઉપર જણાવેલા લક્ષણો ઓછા થતાં જોવા મળે છે. જાણે કે સમગ્ર સભ્યતા એકાએક નાશ પામી. વર્તમાન સમયમાં પુરપુરાતત્વવિદો અને ઈતિહાસકારોએ હડપપીય સભ્યતા એકાએક નાશ પામી હતી તેની ચર્ચાઓ સંપૂર્ણ બંધ કરી છે. એનું એક કારણ એ છે કે જે ધારણાઓ અત્યાર સુધી બાધવામાં આવતી હતી તે પૂર્ણપણે હડપ્પા સભ્યતાના નાશ બાબતે સમગ્ર સભ્યતાને લાગુ પાડી શકાય તેમ નથી. આ સભ્યતાનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. તેથી કોઈ એક કારણથી આખી સભ્યતા નાશ પામી શકે કે કેમ તે વિચારણીય મુદ્દો બને છે. અત્યાર સુધી જે ધારણાઓ બાધવામાં આવી હતી તે નીચે પ્રમાણે છે.

(1)  પૂર – કેટલાક ઈતિહાસકારોના મતે સિંધુ નદીના પૂરને કારણે અને તેના વહેણના બદલાવને કારણે આ સભ્યતાનો નાશ થયો હશે. મોહેન્જોં-દડોમાથી મળેલા અવશેષો પણ એ વાતને પુષ્ટિ આપે છે. જેમાં ઘરોના મજલા એક કરતાં વધારે જોવા મળ્યા છે. વળી પ્રાચીન સમયમાં વહેતી સિંધુ નદી વર્તમાનમાં એ જ જગાએથી વહીને સમુદ્રમાં જતી નથી. તેથી પણ એમ કહી શકાય કે તેમની વાતમાં તથ્ય છે.    

(2) ધરતીકંપ – કેટલાક વિદ્રાનોનો ધરતીકંપને હડપપીય સભ્યતાના નાશનું પ્રબળ કારણ માને છે. પશ્ર્ચિમોત્તર ભારત એ ભૂકંપનો ઝોન ગણાય છે. અત્યારે પણ આપણે તેને ઝોન-5 એટલેકે ભૂકંપ થવાની અત્યંત શક્યતા ધરાવતો વિસ્તાર કહીએ છીએ. વળી નદીના બદલાતા વહેણ પણ ભૂકંપનું પરિણામ હોય શકે. તેથી આ વાતને પણ પુષ્ટિ મળે છે.

(3)  રોગચાળો – કદાચ કોઈ ગંભી રોગચાળો તેને માટે જવાબદાર હોય. લગભગ 20મી સદી સુધી મરકી-પ્લેગ, કોલેરા, મેલેરિયા જેવા રોગો મહામારી માટે જવાબદાર રહ્યા છે. હડપપીય સભ્યતાની ગટર યોજના અદભૂત હતી. પરંતુ ગટરનું ગંદુ પાણી શહેરની બહાર બહુ નજીકમાં જ જતું તેથી સંભવતઆવી બીમારી ફેલાવાની શક્યતા હતી તેમ લાગે છે.

(4) ઇન્ડો-આર્યન પ્રજાનું આક્રમણ – મોહેજ્જોં-દડોના ઉપરના સ્ટાર પર ઘણા હાદ્પિજારો મળી આવ્યા છે. જે ઇન્ડો-આર્યન પ્રજાના આક્રમણથી સ્થાનિક લોકોના મૃત્યુ થવાનું કેટલાક ઇત્તિહાસકારો માને છે. ઋગ્વેદમાં ઇન્દ્ર માટે પુરંદર એટલે કે કિલ્લાના સંહારક એવો શબ્દ પ્રયોગ થયો છે. સાથે સાથે હરિયુપિયા નામના સ્થળનો સંદર્ભ પણ સાથે જ છે. આ હરિયુપિયા હડપ્પા હોય શકે. તેવું કેટલાક ઈતિહાસકારો માને છે અને જણાવે છે કે ઇન્ડો-આર્યન પ્રજાએ જે આ પ્રજાથી સાંસ્ક્રુતિક દ્રષ્ટિએ સંપૂર્ણ ભિન્ન હતી. વિચારતી હતી. સશક્ત હતી તેણે આ સભ્યતાના તમામ સ્થળોને જીતી લઈ પોતાની સંસ્કૃતિને સ્થાપિત કરી અને નગરીય સભ્યતાનો અંત આવ્યો. જો કે ઋગ્વેદના સમય બાબતે અને તેમાં જોડવામાં આવેલા ક્ષેપકોને જોતાં આ બાબતમાં વધારે તથ્ય દેખાતું નથી.

(5)  પર્યાવણીય કારણો – એક આધુનિક મત પ્રમાણે પર્યાવરણમાં થયેલા ફેરફારોએ આ સભ્યતાનું પાટણ કર્યું હશે. આપણે ડોં. અગ્રવાલના સંશોધનનો આગળ ઉલ્લેખ કરેલો છે. જો કે આ એક કલ્પના છે. જેને હજી ઘણા પુરાવાની જરૂર છે.

(6) આર્થિક કારણો – આધુનિક ઈતિહાસકારો આર્થિકથી કારણને આ સભ્યતાના પતનનું મુખ્ય કારણ ગણાવે છે. મારુ પણ એવું સ્પષ્ટ માનવું છે કે વેપારમાં થયેલા હાસનું પરિણામ આ સભ્યતાને શહેરી સભ્યતામાંથી ગ્રામીણ સભ્યતામાં પરિવર્તિત કરી હશે. તત્કાલિન મેસેપોટામિયા સભ્યતા સાથે હડપપીય સભ્યતાનો વેપાર-વાણિજ્ય બહુ મોટા પ્રમાણમાં થતો અને આર્થિક પાસું હડપપીય સભ્યતાના પક્ષમાં હતું. ઇ.સ.પૂર્વેની 1700 બાદ મેસેપોટામિયા સામ્રાજ્યમાં કટોકટીનો યુગ હતો અને તે જુદા જુદા ભાગમાં વહેચાતું જતું હતું. તે જોતાં મેસેપોટામિયા સાથેનો વેપાર પડી ભાગ્યો હોવો જોઈએ અને ક્રમશ: નાણાનાં ચલણમાં ઘટાડો થવાથી, ચીજવસ્તુઓની ગુણવતામાં નિમ્નસ્તર આવતું ગયું. હવે આતરરાષ્ટ્રીય સ્તરની ફોતરી જોવા મળતી નથી. એટકે કે ઇ.સ. પૂર્વે 1700 બાદ માટીના વાષણો, રાચરચીલું, નગરઆયોજન વગેરેમાં નિશ્ર્ચિતપણે ગુણવત્તાની સાથે સમાધાન થતું જોવા મળે છે. ધોળાવીરામાં નગરાયોજન ક્રમશ: અસ્તવ્યસ્ત થતું જણાય છે. આનો સૌથી અગત્યનો પુરાવો રંગપુરમાં મળેલી પોટરી છે. જે નિમ્ન કક્ષાની એટલે કે પશ્ર્ચાત હડપ્પન પોટરી કહી શકાય તેવી છે. જે સ્પષ્ટત: વેપાર-વાણિજયનો હ્રાસ અને નિકાસમાં થયેલ ત્રુટી જણાવે છે.

     એક આધુનિક મત પ્રમાણે આ સભ્યતાની પ્રજાએ પોતાના સંપત્તિને બહુ જ ઝડપથી વાપરી નાખતા સભ્યતાનો નાશ થયો હશે.

(7) હડપપીય સભ્યતા પરીવર્તન પામી છે.- આપણે આગળ જોયું તેમ ઈતિહાસકારોએ ઉપયુક્ત ધારણાઓને ત્યજીને શભ્યતાના નાશનો વિચાર પડતો મૂક્યો છે અને એ જોવાનો પ્રયત્ન કર્યો છે કે આ સભ્યતાના પશ્ર્ચાદ નમૂનો મળે છે કે કેમ. રંગપપુરનો ઉલ્લેખ એ જ બતાવે છે કે હડપપીય સભ્યતાનો નાશ નહીં પરંતુ તે શહેરી સભ્યતામાથી ક્રમશ: ગ્રામીણ સભ્યતામાં પરિવર્તિત થઈ હશે. શહેરોનો નાશ થવોએ ઈતિહાસમાં કોઈ નવીન બાબત નથી. ભારતમાં જ ઇ.સ. 5મી સદીમાં રોમન સામ્રાજય સાથેનો વેપાર પડી ભાગતા અને હૂણોના અવારનવાર થતાં આક્રમણોને લીધે ગુપ્ત સામ્રાજ્ય અસ્ત પામ્યું ત્યાર બાદ 7મી સદીમાં ભારતમાં આવેલ મહાન ચીની મુસાફર હયું-એન-સ્વાંગએ ભારતમાં મહાન શહેરો ખંડેરમાં ફેરવાયલા છે તેવું પોતાના સીયુકી નામના પુસ્તકમાં નોંધ કરી છે. એટલે હડપ્પીય સભ્યતા બાબતે પણ એવું કહી શકાય કે સંજોગાવસાત શહેરોનો નાશ થયો અને આ સભ્યતા ગ્રામીણ પરિવેશમાં પરિવર્તીત થઈ.  

      હડપ્પીય સભ્યતાએ વિશ્ર્વને કરેલું પ્રદાન :-                           

          આ સભ્યતાના વિસ્તાર અને વસતીની દ્રષ્ટિએ તત્કાલિન સભ્યતાઓ કરતાં વિશાળ હતી. અગ્રિમ કક્ષાનું શહેરી આયોજન, ગટર યોજના, પાણીનું વ્યવસ્થાપન, દરિયા પાર વેપાર, એકસમાન માનક, કારીવર્ગની વિશાળ હાજરી, લોકાભિમુખ વહીવટ, એક જ લિપિ, ઉન્નત કૃષિ, ભવ્ય સાંસ્ક્રુતિક અને કલાના નમૂના એ આ સભ્યતાએ વિશ્ર્વને કરેલી મહાન ભેટ ગણાવી શકાય. 500 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેલી પરિપક્વ હડપપીય સભ્યતા એ વિશ્ર્વની મહાન સભ્યતાઓમાની એક હતી.

   

 

 

 


Latest vacancies

Our Materials

    Current affairs

    Latest Papers